મુખ્ય શિક્ષકની ફરજો
વિદ્યાર્થી
1. શાળા વિસ્તારમાં ફરજીયાત શિક્ષણ મેળવવાપાત્ર હોય તેવા તમામ બાળકોનું સર્વે કરાવીને તેને શાળામાં પ્રવેશ આપવા માટે જવાબદાર ગણાશે .
2. પ્રવેશ ન લીધેલ બાળકો કે શાળામાં સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના વાલીઓને તેમના ઘરે મુલાકાત લેવા શિક્ષકો / શાળા વ્યવસ્થાપક સમિતિને જણાવશે અને જરૂર જણાયે હુકમો કરશે .
3. શાળાના તમામ વિદ્યાર્થીઓના ગુણવત્તાયુકત સર્વાંગી શિક્ષણ માટે સામાન્ય રીતે જવાબદાર ગણાશે .
4. શાળામાં આવતા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને સુઘડતાની ટેવો પાડશે અને તેમની વર્તણૂંક અને શિસ્ત માટે જવાબદાર રહેશે .
5. શાળાના વિદ્યાર્થીઓમાં કોમી એકતા તથા સદભાવ વધારશે અને કોઈ વિદ્યાર્થીને તેની જ્ઞાતિ અથવા કોમ કે ધર્મને કારણે કોઈ રીતે અસમર્થ ઠરાવાય નહી અને બિન સાંપ્રદાયિક વાતાવરણ જળવાય તેનું ધ્યાન રાખશે .
6. વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણી માટે સરકારશ્રીના શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં સહકાર અપાશે .
વાલી / સમાજ
1. સત્રાંત અને વર્ષાન્તે શાળામાં વાલી સંમેલન યોજીને તેમના બાળકોની શૈક્ષણિક અને સર્વાંગી પ્રગતિથી વાકેફ કરશે .
2. વાલીઓને સામેલ રાખી શાળામાં રાષ્ટ્રીય કાર્યક્રમોની ઉજવણી કરશે .
મધ્યાહન ભોજન યોજના
1. શાળાના મધ્યાહન ભોજન યોજનાનું સમગ્ર સંચાલન મુખ્ય શિક્ષક કરશે .
2. શાળાના મધ્યાહન ભોજન સંચાલકની નિયમિત હાજરી અને તેની કામગીરી પર દેખરેખ રાખશે .
3. શાળાના મધ્યાહન ભોજન યોજના સ્ટોર રૂમ , રસોઇ ઘર તેમજ ખાદ્ય - સામગ્રીની સ્વચ્છતા પર દેખરેખ .
4. બાળકોને યોગ્ય ગુણવત્તાયુકત , પોષણક્ષમ અને પૂરતી માત્રામાં આહાર મળી રહે તેનું ધ્યાન રાખશે .
5. મધ્યાહન ભોજન સંદર્ભે શિક્ષકોની કામગીરીની વહેંચણી કરવાની રહેશે .
6. અઠવાડિક આયોજન મુજબ ભોજન બને તેની દેખરેખ રાખશે .
સર્વ શિક્ષા અભિયાન
1. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મળતી તમામ ગ્રાન્ટોનો ખર્ચ યોગ્ય રીતે થાય અને તેનું ઓડિટ કરાવવાની જવાબદારી રહેશે .
2. શાળામાં ખૂટતી જરૂરિયાતો સંદર્ભે મળતી ભૌતિક સુવિધાઓ અંગેની ગ્રાન્ટનો ખર્ચ યોગ્ય રીતે થાય તે જોવાની ફરજ રહેશે .
3. દર ત્રણ માસે S.M.C. મીટીંગ બોલાવવાની રહેશે .
4. S.S.A. અંતર્ગત C.R.C. , B.R.C. ને સહકાર આપવાની ફરજ રહેશે .
5. શાળામાં પ્રવેશ પામેલા 6 થી 14 વર્ષના વિદ્યાર્થીઓ બાળમજુરી તરફ ન વળે તે માટે જાગૃતિ કેળવવા પગલાં ભરવાના રહેશે .
6. S.S.A. અંતર્ગત આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું શાળામાં ગુણવત્તાસભર અમલીકરણ થાય તેનું યોગ્ય આયોજન કરવાનું રહેશે .
7. S.S.A. તરફથી મળતા DISE ફોર્મ ક્ષતિરહીત ભરી મોકલવાના રહેશે .
R.T.E. અંતર્ગત ફરજો
1. શાળા વિસ્તારમાં 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનું રહેશે .
2. શાળાના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતાં IED બાળકો કે જે 6 થી 18 વર્ષની ઉંમરના છે તે દરેક બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનું રહેશે .
3. પ્રાથમિક શિક્ષણ સંસ્થામાં પ્રવેશ માટે નિયત થયેલ નિયમો મુજબ બાળકોને શાળામાં પ્રવેશ આપવાની કાર્યવાહી કરવાની રહેશે .
4. બીજી શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકને વિના વિલંબે બદલી પ્રમાણપત્ર કાઢી આપવાનું તથા એ જ રીતે અન્ય શાળામાંથી આવેલ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો રહેશે .
5. સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્રને જરૂરી હોય તેવી શાળા વિષયક યોગ્ય માહિતી પૂરી પાડવાની રહેશે .
6. ઉંમરની સાબિતીના અભાવે કોઈ બાળકને શાળામાં પ્રવેશનો ઈન્કાર કરી શકાશે નહિ .
7. શાળામાં દાખલ કરેલ કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણ પુરું થતા સુધીમાં કોઈપણ ધોરણમાં કોઈપણ કારણોસર રોકી શકાશે નહિ અથવા કાઢી મૂકાશે નહી .
8. કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત ન થાય તે જોવાનું રહેશે .
9. સરકારે નિર્દેશ કરેલ ધારાધોરણ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતીની રચના કરી તેની સાથે સંકલનમાં રહી શાળા વિકાસની યોજના તૈયાર કરવાની રહેશે .
10. શિક્ષક નિર્દષ્ટ કરેલી ફરજ ન બજાવે તો લાગુ પડતાં સેવા નિયમોનુસાર શિક્ષકને સાંભળ્યા બાદ તેના ઉપર શિસ્ત વિષયક પગલા ભરવા વહીવટી અધિકારીને જણાવવાનું રહેશે .
11. કોઈપણ શિક્ષક ખાનગી ટયુશન અથવા ખાનગી શિક્ષણની પ્રવૃત્તિમાં ભાગ ન લે તે જોવાની ફરજ રહેશે .
12. પ્રાથમિક શિક્ષણ પુરું કરનાર દરેક બાળકને નિયત કરવામાં આવેલ સ્વરૂપમાં અને તેવી રીતે પ્રમાણપત્ર આપવાનું રહેશે .
શાળા અને સેવાકીય બાબતો
1. શાળામાં નિયમિત પુરા સમય માટે હાજર રહી શાળાના કામકાજમાં સંપૂર્ણ ધ્યાન રાખવાનું રહેશે . શાળાના સમય દરમ્યાન કોઇ પણ પ્રકારનું ખાનગી કામ કરી શકાશે નહીં .
2. શાળાના કામે શાળા છોડવાના કિસ્સામાં તેની અને શિક્ષકો / કર્મચારીની મુવમેન્ટ નિભાવશે .
3. દર વર્ષે વર્ગોનું અને શાળાનું સામાન્ય સમયપત્રક શિક્ષકોને સાથે રાખીને તૈયાર કરાવશે .
4. રમતગમત સહિતની શાળાની સામાન્ય વ્યવસ્થા માટે વાર્ષિક અથવા મુદતી પરીક્ષાઓ લેવા માટે સાપ્તાહિક અને અભ્યાસેતર પ્રવૃત્તિઓની ગોઠવણ કરવા માટે તથા બાળકોને પુસ્તકો , શિક્ષણ વિષયક જરૂરીયાતો , ગણવેશ , શિષ્યવૃત્તિ , ઈનામ વહેંચવા માટે અધિકૃત ગણાશે .
5. શાળાના તમામ શિક્ષકોની કામની દેખરેખ રાખશે . શિક્ષકોના દૈનિક શિક્ષણકાર્યના આયોજનની નોંધ દરરોજ મંજુર કરશે અને જરૂરી શૈક્ષણિક માર્ગદર્શન આપશે .
6. દરેક શિક્ષકની સમયાંતરે વર્ગ તપાસણી કરશે અને લોગબુક ભરશે .
7. શાળાના શિક્ષકો / કર્મચારીઓના કામગીરી સબબ વાર્ષિક સી.આર. ( ખાનગી અહેવાલ ) ભરીને રીમાર્ક કરશે .
8. શિક્ષકો / કર્મચારીઓના કામની એકસૂત્રતા જાળવશે અને તે તેમની કાર્યક્ષમતા તથા શિસ્ત માટે જવાબદારી નિભાવશે .
9. શાળાના શિક્ષક / કર્મચારીનો ગેરવર્તણૂંક અથવા શિસ્તભંગના કોઈ કિસ્સા ધ્યાનમાં આવે તો સબંધિતને ખુલાસો પુછશે . વારંવારના ગેરવર્તન માટે મદદનીશ વહીવટી અધિકારી કે વહીવટી અધિકારીને રીપોર્ટ કરશે .
10. શિક્ષક / કર્મચારીની પરચુરણ રજાઓ મંજુર કરશે અને તેના આધારો સહિતનું રેકર્ડ નિભાવશે .
11. શાળાના શિક્ષકો / કર્મચારીની સેવાપોથી નિભાવશે અને શાળાની કસ્ટડીમાં રાખશે . તેમાં જરૂરી નોંધો કરીને સક્ષમ અધિકારી પાસે ઓડીટ કરાવી ખરાઈ કરાવશે અને ડુપ્લીકેટ સેવાપોથી નિભાવશે .
12. શાળાનાં પગારબીલો તૈયાર કરાવવા અને વહીવટી અધિકારીશ્રી આ અર્થે નિર્દિષ્ટ કરે તેવી તારીખ પહેલા પગારકેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષકને મોકલી આપશે .
13. શાળાના શિક્ષકની બિન અધિકૃત ગેરહાજરી સબબ તેનો પગાર કાપી લેવા અધિકૃત ગણાશે .
14. શાળાની દરેક પ્રકારની મિલ્કતની યોગ્ય સંભાળ લેવાય છે તેવી ચોકસાઈ રાખવા તથા મિલ્કતને કોઈ નુકશાન કરવામાં આવ્યુ હોય તો તે બાબતનો વહીવટી અધિકારી / ગામ / જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ / નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને રીપોર્ટ કરશે .
15. સરકારી નાણાની વહેંચણી કે કામ પૂર્ણ કર્યા બાદની બચત રહેલી શાળાની ફીના નાણાં કે સરકારી હેડના નાણાં પગારકેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષકને મોકલવામાં ન આવે ત્યાં સુધી સલામત કસ્ટડીમાં રાખવાને તે જવાબદાર રહેશે . ( આવી ફી , અથવા નાણાં મુખ્ય શિક્ષકને દર મહીનાની આખર પહેલાં પગાર કેન્દ્ર શાળાનાં મુખ્ય શિક્ષકને મોકલી આપવા . )
16. શાળાના વિદ્યાર્થી , શિક્ષક , કર્મચારી કે વાલીને જરૂરીયાત મુજબ પ્રમાણપત્રો , દાખલા , ગુણપત્રકની નકલો નિયત સમયમર્યાદામાં આપશે .
17. કોઈ રાજકીય અથવા સાંપ્રદાયિક સંસ્થામાં સક્રીય ભાગ લઇ શકશે નહિ . જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિના વિસ્તારની ચૂંટણી માટેના કોઈ ઉમેદવારની તરફેણમાં મત મેળવવા માટે પ્રચાર કરી શકશે નહિ .
18. વહીવટી અધિકારીઓએ ફરમાવી હોય તેવી પ્રાથમિક શિક્ષણને લગતી અન્ય ફરજો તે બજાવશે અથવા તેને લગતી બહાર પાડવામાં આવતી સૂચનાઓ અનુસાર તે વર્તશે .
૧. સમયપાલન અને શિસ્ત સંબંધી ફરજો
૧.૧ વહીવટી તંત્રે જણાવેલ - જાહેર કરેલ સમય મુજબ શાળામા નિયમિત હાજર રહેશે .
૧.૨ પોતાને સોંપાયેલ ધોરણ / વર્ગનું સમયપત્રક બનાવશે .
૧.૩ ઠરાવેલ કામના કલાક મુજબ દૈનિક , માસિક , વાર્ષિક કામગીરી કરશે .
૧.૪ વર્ગના તમામ બાળકો સમયસર આવે તેની તકેદારી રાખશે .
૧.૫ શાળાએ હાજર થયેલ બાળક શાળા સમય પહેલાં વર્ગ - શાળા ન છોડે તેની તકેદારી રાખશે .
૧.૬ વર્ગમા સમય પત્રક મુજબ શૈક્ષણિક કાર્ય કરશે .
૧.૭ સ્વયં શિસ્તનો આગ્રહ રાખશે તથા બાળકો પાસે શિસ્તપાલન કરાવશે .
૧.૮ શિક્ષક પોતાનો ગણવેશ તથા વાણી , વર્તન અને વ્યવહાર શાળા , સમાજ અને વહીવટી તંત્ર સમક્ષ શિક્ષકને છાજે તેવો રાખશે .
૨. શૈક્ષણિક કામગીરી સંબંધે શિક્ષકની ફરજો
૨.૧ વહીવટી તંત્ર સોંપે તે ધોરણ - વિષય રૂચિપૂર્વક ભણાવશે . ૨.૨ સોંપાયેલ ધોરણ - વિષયના શિક્ષણકાર્ય સંબંધી અઠવાડિક , માસિક તથા વાર્ષિક આયોજન બનાવશે તથા તે મુજબ શિક્ષણકાર્ય કરશે .
૨.૩ શિક્ષકે પોતાની દૈનિક આયોજન પોથી ( Logbook ) નિયમિત રીતે નિભાવશે અને મુખ્ય શિક્ષકને રજૂ કરશે .
૨.૪ સોંપવામા આવેલ ધોરણ વિષય અંગે અદ્યતન જ્ઞાનથી માહિતગાર થઈ વર્ગખંડમાં તેનો ઉપયોગ કરશે .
૨.૫ શિક્ષણકાર્ય સંબંધી શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી તથા તેનો વર્ગમા અસરકારક ઉપયોગ કરવાનો રહેશે .
૨.૬ નિયત કરેલ અભ્યાસક્રમની સાથોસાથ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવું બાહયજ્ઞાન વિદ્યાર્થીને મળી રહે તેવું આયોજન કરશે .
૨.૭ વહીવટીતંત્ર ઠરાવે તેવી તાલીમ લેવાની તથા તેનો વર્ગમા અસરકારક ઉપયોગ કરવાનો રહેશે .
૨.૮ પોતાના વર્ગસંબંધી શૈક્ષણિક સંશોધન કરશે તથા નબળાં જણાતા ક્ષેત્રો શોધી ઉપચાર કરશે .
૨.૯ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત પોતાના વર્ગનું સ્વમુલ્યાંકન કરી નબળા ક્ષેત્રો શોધી તેમાં ક્ષતિપૂર્તિ કરશે .
૨.૧૦ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત મેળવેલ ગ્રેડ અંગે તથા તેમા સુધારા અંગે વ્યક્તિગત આયોજન કરશે .
૨.૧૧ પ્રજ્ઞા , એડપ્ટસ , મીનામંચ જેવા કાર્યક્રમ થકી વર્ગ શિક્ષણ સુધારવા આયોજન કરશે .
૨.૧૨ વહીવટીતંત્ર તરફથી નિર્દિષ્ટ થયા મુજબ સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરશે .
૨.૧૩ શિક્ષણને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે , વિજ્ઞાન મેળા , રમતોત્સવ , રાષ્ટ્રીય પર્વની ઉજવણી વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનો રહેશે .
૩.વિદ્યાર્થી સંબંધિત ફરજો
૩.૧ ફરજિયાત શિક્ષણ મેળવવાપાત્ર બાળકોને શાળામાં દાખલ કરવા અને નિયમિત હાજર રહે તે માટે વાલીઓને સમજ આપવી .
૩.૨ શાળામાં ન જતા અથવા સતત ગેર - હાજર કે અનિયમિત હાજરીવાળા બાળકોના વાલીનો સંપર્ક કરી બાળકોને નિયમિત શાળાએ મોકલવા વાલીઓને સમજાવવા .
૩.૩ પોતાના વર્ગ- તમામ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી પુરવાની રહેશે .
૩.૪ પોતાને સોંપવામા આવેલ વર્ગવિદ્યાર્થી સંબંધી જનરલ પ્રોફાઇલ બનાવવાની રહેશે જેમાં વિદ્યાર્થી અંગેની તમામ માહિતી મેળવી રાખવાની રહેશે .
૩.૫ સોંપવામા આવેલ વિદ્યાર્થીઓના રસ - રૂચિ તથા જ્ઞાનની ચકાસણી વર્ષની શરૂઆતમા કરી લેવાની રહેશે .
૩.૬ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને સુઘડતાની ટેવ પાડવા અને શિસ્તબદ્ધ વર્તણૂંક કેળવવા માટે પ્રયત્નો કરશે .
૩.૭ આરોગ્ય વિભાગે ઠરાવેલ આદર્શ સ્વાસ્થ્ય ચાર્ટ બનાવી જરૂર જણાયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણકારી આપવાની રહેશે .
૩.૮ વિદ્યાર્થીને અભ્યાસક્રમ સંબંધે અથવા શારીરિક કે માનસિક મુશ્કેલીઓ સંબંધે માર્ગદર્શન તથા મદદ પુરી પાડવા તત્પર રહેશે .
૩.૯ કોઇપણ સંજોગોમા વિદ્યાર્થીને શારીરિક કે માનસિક શિક્ષા કરશે નહિ કે શાળામાંથી કાઢી મુકશે નહિ .
૩.૧૦ વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક ભાષામા , જાતીવિષયક શબ્દો વાપરીને વાતચીત કરશે નહીં .
૩.૧૧ વિદ્યાર્થીઓમાં કોમી એખલાસ અને સદભાવના કેળવવાની રહેશે .
૩.૧૨ વિદ્યાર્થીને તેની જ્ઞાતિ અથવા કોમને કારણે અન્ય રીતે અસમર્થ ઠરાવાય નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે .
૩.૧૩ ધોરણ - વર્ગના તમામ બાળકોને તમામ પ્રવૃત્તિઓમાં સરખી ભાગીદારી કરાવશે .
૩.૧૪ વિકલાંગ બાળકો સાથે ખાસ શિક્ષકે સુચવ્યા મુજબ વ્યવહાર કરશે .
૩.૧૫ વર્ગ શિક્ષણ સાથે વિદ્યાર્થીની વ્યક્તિગત કલા , કારીગરી , હુન્નર કે રમત - ગમતના કૌશલ્યનો વિકાસ થાય તેવું ઉત્સાહજનક વાતાવરણ તૈયાર કરી બાળકોને પ્રોત્સાહિત કરશે .
૩.૧૬ વર્ગના તમામ બાળકોને સહૃદય સ્વીકારશે.
૪.શાળા | વાલી | ગામ / સમાજ સંબંધે ફરજો
૪.૧ શાળા સંપુર્ણપણે પોતાની છે અને તેના વિકાસ અને પ્રગતિમાં જ પોતાની પ્રગતિ રહેલી છે તેવી ઉમદા વિભાવના કેળવશે .
૪.૨ શાળાના તમામ કર્મચારી , વિદ્યાર્થીઓ , વાલીઓ અને નાગરીકો સાથે સૌહાદપૂર્ણ વાતાવરણ તૈયાર કરશે .
૪.૩ શાળાના તમામ કાર્યક્રમોમા પોતાનું યોગદાન આપવાનું રહેશે . ૪.૪ શાળામાં પ્રવેશપાત્ર વય મર્યાદાવાળા બાળકોની યાદી તૈયાર કરશે .
૪.૫ તમામ બાળકોના વાલી સાથે જીવંત સંપર્ક રાખશે .
૪.૬ ખાસ જરૂરિયાતવાળા બાળકના વાલીને અઠવાડિકમાસિક મળવાનું આયોજન કરશે .
૪.૭ બાળકના સર્વાંગી વિકાસ માટે વાલીઓનો સહકાર મેળવશે .
૪.૮ વર્ગ અને શાળાના વિકાસ માટે વાલીઓને સહયોગ આપવા સમજાવશે .
૪.૯ ગામની સાક્ષરતા વધે , કન્યા શિક્ષણનું પ્રમાણ વધે તે માટે આયોજન બદ્ધ પ્રયત્નો કરશે .
૪.૧૦ શાળા વ્યવસ્થાપન સમિતીની કામગીરીમાં મુખ્ય શિક્ષકને મદદરૂપ થશે .
૪.૧૧ સમાજને મુલ્યવાન , સંસ્કારમય ઉત્તમ નાગરિક મળે તેવી ભાવના સાથે ફરજ અદા કરશે .
૪.૧૨ ગામ અને સમાજમાં સૌહાદપુર્ણ વાતાવરણનું નિર્માણ થાય તથા પોતાના તથા શાળા તરફ હકારાત્મક અભિગમ કેળવાય તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરશે .
૪.૧૩ વર્ગ ધોરણમા સોંપાયેલ બાળકો કોઇપણ સંજોગોમા અધવચ્ચે શાળા છોડે નહિ તથા ઠરાવેલ અભ્યાસ પૂર્ણ કરે તેની કાળજી રાખશે .
૫. વહીવટી તંત્ર સંબંધે ફરજો
૫.૧ વહીવટી તંત્ર વખતો - વખત નિર્દિષ્ટ કરે તેવા નિયમોનું પાલન કરશે .
૫.૨ સોંપવામા આવેલ કામગીરી નિષ્ઠાપુર્વક બજાવશે .
૫.૩ શિક્ષણ સંલગ્ન સંસ્થાઓએ સોંપેલ વિવિધ યોજનાકીય કામગીરી કરશે તથા યોગ્ય સહકાર , સલાહ , સુચન કરશે .
૫.૪ નિયત કરેલ તાલીમ મેળવશે તથા તાલીમ અંગેના માળખામાં જરૂરિયાત જણાય ત્યાં અથવા માંગવામા આવે ત્યારે પોતાના સ્પષ્ટ અભિપ્રાય ૨જુ કરશે .
૫.૫ મુખ્ય શિક્ષક તથા તેનાથી ઉપરના અધિકારીશ્રીઓના સુચનો ગંભીરતાપુર્વક લઇ તેના ઉપર અમલવારી કરશે .
૫.૬ પોતાને સોંપવામા આવેલ સરકારી યોજનાકીય નાણા ઠરાવ્યા મુજબ વાપરશે તથા તેના હિસાબો રાખશે .
૫.૭ યોજનાકીય બાબતો અંગે સર્વે તથા આંકડાકિય માહિતી પુરી પાડશે .
૫.૮ નવી નીતિ , નવા અભ્યાસક્રમ , નવી યોજના વિગેરે બાબતે પોતાના નાવિન્યપુર્ણ આવિષ્કારો યોગ્ય માધ્યમથી રજુ કરશે .
૫.૯ આર.ટી.ઈ. એક્ટ - 2009 અને ગુજરાત આર.ટી.ઈ. રૂલ્સ - 2012 ની તમામ જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે .
ઉપરોક્ત તમામ બાબતો ઉપરાંત સરકાર દ્વારા વખતો - વખત જે હુકમો કે સુચનાઓ બહાર પાડવામાં આવે તેનો અમલ કરવાનો રહેશે .
******
મુખ્ય શિક્ષક / પ્રાથમિક શિક્ષક માટેની આચાર સંહિતા
( 1 ) શિક્ષણ અને શાળાના હિતને નુકશાન થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કે વર્તન કરી શકશે નહિ . મુખ્ય શિક્ષક / શિક્ષક ધ્રુમપાન , તમાકુ અને ગુટકા જેવા વ્યસન કરી શકશે નહિ . દરેક મુખ્ય શિક્ષક / શિક્ષક જે તે સમયે અમલમાં હોય તેવા કેફી પીણાં કે માદક દ્રવ્યો અંગેનાં કોઈ પણ કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવા બંધાયેલ છે .
( 2 ) કોઈ પણ કેફી પીણાં કે માદક દ્રવ્યોની અસરમાં હશે નહિ અને તે કાળજી રાખશે તેની ફરજની કામગીરી કોઈ પણ સમયે આવા પીણાં માદક દ્રવ્યોની અસરમાં રહેશે નહિ .
( 3 ) વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહિ .
( 4 ) કોઇ રાજકીય અથવા કોમી સંસ્થામાં સક્રિય ભાગ લઈ શકશે નહિ અથવા કોઇ રાજકીય ચૂંટણી માટેનો પ્રચાર કરી શકશે નહિ . તેમજ ચૂંટણી અંગે કોઈપણ પ્રકારનો ફાળો કે દાન એકત્રિત કરી શકશે નહિ .
( 5 ) શાળાના મુખ્ય શિક્ષક / શિક્ષકે શાળામાં શિક્ષકના વ્યવસાયને અનુરૂપ પહેરવેશ પરિધાન કરવાનો રહેશે .
( 6 ) શાળામાં મુખ્ય શિક્ષક તથા સાથી કર્મચારી મિત્રો , વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે સુમેળ રાખી , નમ્રતા અને સભ્યતાથી વર્તવાનું રહેશે .
( 7 ) મુખ્ય શિક્ષક / શિક્ષકે શાળામાં કોઈપણ વિદ્યાર્થી / વિદ્યાર્થીની શિક્ષક / શિક્ષિકા સાથે અનૈતિક કે અણછાજતું વર્તન કરી શકશે નહિ .
( 8 ) મુખ્ય શિક્ષક / શિક્ષકના જે કોઇ એસોશિએશન અથવા યુનિયનના ઉદ્દેશો અથવા પ્રવૃત્તિઓ , ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિતને અથવા જાહેર વ્યવસ્થાને અથવા નીતિમત્તાને બાધકર્તા હોય તેમાં જોડાવું નહિ અથવા તેના સભ્ય તરીકે ચાલુ રહેવું નહિ .
( 9 ) પોતાની સેવાને લગતી બાબતો અંગે કોઈપણ પ્રકારનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકીય દબાણ લાવી શકશે નહિ . જો તેમ કરવાનો પ્રયત્ન કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકશે .
( 10 ) પોતાની સેવાને લગતી કોઈપણ બાબતમાં તેનાથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓનો સીધો સંપર્ક કરી શકશે નહિ . આ માટે નિયત થયેલ કચેરી કાર્યપધ્ધતિ મુજબ રજૂઆત કરવાની રહેશે .
( 11 ) અસાધારણ સંજોગો સિવાય કોઈ શિક્ષક મુખ્ય શિક્ષકને જાણ કર્યા બાદ રજા ઉપર જઈ શકશે નહિ . રજા અગાઉથી મંજૂર કરવાની રહેશે .
( 12 ) કોઈપણ જગ્યાએ નોકરી મેળવવા માટે અરજી કરે ત્યારે તેણે અરજીની કચેરીને જાણ કરવાની રહેશે .
( 13 ) મુખ્ય શિક્ષક / શિક્ષક પોતાના વ્યક્તિગત ઉપયોગ અથવા વ્યાપારી કે રાજકીય હેતુ માટે શાળાની સુવિધાઓ અને સાધનોનો ઉપયોગ કરી શકશે નહિ .
( 14 ) મુખ્ય શિક્ષક / શિક્ષક ખાનગી ટ્યુશન કે ખાનગી કોચીંગ ક્લાસ ચલાવી શકશે નહિ . અથવા તેમાં નોકરી કરી શકશે નહિ . તેમજ પોતાના કે પોતાના આશ્રિતના નામે કોઈપણ પ્રકારનો વ્યાપાર / ધંધો કરી શકશે નહીં .
( 15 ) શિક્ષકે વેકેશન કે રજા દરમ્યાન પોતાના સરનામાં જો ફેરફાર થયેલ હોય તો તેની જાણ શાળાના મુખ્ય શિક્ષકને તેના સંપર્ક નંબર સાથે કરવાની રહેશે .
( 16 ) મુખ્ય શિક્ષક / શિક્ષક કોઈ પણ વિદ્યાર્થીને શારિરીક શિક્ષા કે માનસિક દબાણ કરી શકશે નહિ .
( 17 ) સરકાર દ્વારા નક્કી કરેલ દૈનિક તથા વાર્ષિક કામના કલાકો મુજબ કામગીરી પૂર્ણ કરવાની રહેશે .
( 18 ) મુખ્ય શિક્ષક / શિક્ષકનું વર્તન શાળામાં તથા શાળાની બહાર ફરજ પર હોય ત્યારે કે ફરજ પર ન હોય ત્યારે તેનું વર્તન શિક્ષણના વ્યવસાયની ગરીમાને હાનિ પહોંચાડે તેવું હોવું જોઈશે નહિ .
***